સાધના સાપ્તાહિકના ૨૮ ડીસેમ્બર, ૨૦૧૯ ના પ્રકાશિત થયેલ લેખ
Read Article
CAB વિષે આપણે સહુ જાણીએ છીએ કે CAB શું છે, એની શું જરૂરિયાત છે અને એનાથી કોને લાભ મળવાનો છે. CAB લોકસભામાં રજુ કરવામાં આવશે એ સમાચાર આવતાની સાથે જ નોર્થઇસ્ટ માંથી વિરોધનો સુર ઉભો થવા લાગ્યો. લોકસભા માંથી CAB પાસ થયું એ પછી તરત જ તોફાનો ચાલુ થઇ ગયા. પ્રથમ દ્રષ્ટીએ જોઈએ તો એ કોઈ પણ અન્ય રમખાણ ની જેવું લાગે. પણ એના પાછળનું ષડયંત્ર અને નેટવર્ક ખુબજ મોટું અને સમજવા જેવું છે.
આઝાદી પછી ભારત સરકારની ઉપેક્ષાનું કેન્દ્ર બનેલા ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ભારત વિરોધની સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં મિશનરી અને વિદેશી તાકતોએ મળીને નોર્થઇસ્ટને ભારત થી અલગ કરવા માટે પોતાના થી બનતા તમામ પ્રયત્નો કર્યા હતા. આ તમામ પ્રયત્નો પછી પણ જો આજે નોર્થઇસ્ટના રાજ્યો ભારતમાં હોઈ તો એનું એક માત્ર કારણ આપણું સંઘ કાર્ય છે. સંઘે ધીરે ધીરે પોતાના કાર્યનો વિસ્તાર કર્યો અને સંઘના વિવિધ ક્ષેત્રના સંગઠનોએ પોતાના ક્ષેત્રની બાબતમાં સમાજ ઉપયોગી સેવા કાર્યો દ્વારા ત્યાંની પ્રજાના મન માંથી ભારત વિરોધની લાગણીને દુર કરવા માટે આટલા વર્ષોથી અથાગ પ્રયત્ન કર્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હોઈ કે વનવાસી કલ્યાણ આશ્રમ સંઘના સેવા કાર્યથી ત્યાંના લોકો સારી રીતે પરિચિત થઇ ગયા છે. નાગાલેંડ કે જ્યાં જવા માટે ILP (ઇનર લાઈન પરમીટ) લેવી પડે છે એવા રાજ્યોમાં જ્યાં પ્રશાસનમાં પણ વિરોધી લોકોછે કે જે આપણા કાર્યકર્તાઓને પરમીટ પણ નથી આપતા ત્યાં અન્ય રીતે જઈને ત્યાં સ્થાનિક સંપર્ક ઉભા કરીને આપણા સંગઠનોના કાર્યાલય પણ બન્યા છે. આ સંઘ કાર્ય ની સિદ્ધિ છે.
આપણને વિરોધી વિદ્યાર્થી સંગઠન એટલે NSUI, SFI અને AISA જેવા સંગઠનો દેખાય. આ બધા સંગઠનો કોઈ ને કોઈ રાજકીય પક્ષની વિદ્યાર્થી પાંખ છે જેને પ્રત્યક્ષ રાજકારણ સાથે સંબંધ નથી. પરંતુ નોર્થઇસ્ટમાં વિદ્યાર્થી સંગઠનોની તાકાત રાજકીય પક્ષ કરતા પણ વધારે છે. CMથી પણ વધુ! અને અહિયાં વિદ્યાર્થી સંગઠનો અનેક છે. વિવિધ આદિવાસી જાતી (ટ્રાઈબ)ના પોત-પોતાના સંગઠનો છે અને એના સિવાય રાજ્ય-કક્ષાના પણ સંગઠનો અને સમગ્ર નોર્થ ઇસ્ટ માટે પણ સંગઠન છે. અને આ બધા સંગઠનો કોઈ રીતે ડાબેરી (કોમ્યુનીસ્ટ) વિચારધારાના અથવા એનાથી પ્રભાવિત કે પ્રેરિત સંગઠનો છે. ત્રિપુરા તો હમણાં સુધી કોમ્યુનીસ્ટ રાજ્ય હતું. એટલે એમનો પ્રભાવ અને વર્ચસ્વ સમજી શકાય એવો છે. કોમ્યુનીસ્ટ વિચારધારા પોતે જ્યાં સત્તામાં આવી શકે એમ ન હોઈ ત્યાં સંઘ વિરોધીઓને સાથ આપતી જોવા મળી છે.
CAB રજુ થવાનું હતું એ પહેલાથી દરેક ગામમાં એમના નેટવર્કનો ઉપયોગ કરી ને એક માહોલ તૈયાર કરવામાં આવ્યો જેમાં ગામના લોકોને સમજાવવામાં આવ્યું કે CAB આવવાથી તમારી જમીન તમારા બાળકોની નોકરી/રોજગાર આ બાંગ્લાદેશીઓને આપી દેવી પડશે. અસમ ની ભાષા અને સંસ્કૃતિ પણ લુપ્ત થઇ જશે. વળી બાંગ્લાદેશી ઘુસણખોરો તરફ તો પહેલા થી જ વિરોધ નું વાતાવરણ હતું, જેના પરિણામે CAB રજુ થાય એ પહેલા જ CAB વિરોધી માહોલ બનાવવામાં એ લોકો સફળ થયા. આ માહોલને સમજી લઇ CAB ના સમર્થનમાં કાર્યક્રમો કરવાની યોજના બની જેમાં સૌથી પહેલા ABVPએ તારીખ ૭ ડિસેમ્બરના રોજ CAB ના સમર્થનમાં ગૌહાટીમાં રેલી કરી. પછી અન્ય સંગઠનો એ પોતાના કાર્યક્રમો કર્યા.
તારીખ ૯ ડીસેમ્બર ના રોજ CAB લોકસભા માંથી પાસ થયું એ સાથે નોર્થ ઇસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન (NESO) અને ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયન (AASU) એ ૧૦મી ડીસેમ્બરના રોજ બંધ જાહેર કર્યો. અને આ બંધને ABVP સિવાયના તમામ વિદ્યાર્થી સંગઠનો એ સમર્થન આપ્યું. એવા રાજ્યો કે જ્યાં ILP હોવાને લીધે CAB લાગુ પડવાનું નથી એવા રાજ્યોના સંગઠનો એ પણ એકતા દેખાડવા માટે CABના વિરોધમાં બંધને સમર્થન આપ્યું. ભારતના અન્ય રાજ્યોના બંધ અને નોર્થઇસ્ટના બંધમાં એક મુખ્ય તફાવત છે. અહિયાં બંધ એટલે જડબે સલાક બંધ હોઈ અને ઘણી વાર ૪૮ કલાક, ૭૨ કલાક થી લઇ ને એક એક મહિના સુધી બંધની સ્થિતિ હોઈ છે. એક માત્ર હાઇવે હોઈ છે જેને બંધ કરવાથી એનાથી આગળ આવતા તમામ ગામ/શહેરો/રાજ્યોનો સંપર્ક તૂટી જાય છે જેથી જીવન જરૂરી વસ્તુનો પુરવઠો ન પહોચતા જનજીવનની ગતિ બંધ થઇ જાય છે.
અસમના લોકો ભાવનાથી દોરવાતા હોઈ છે. જેથી અહિયાં ગુસ્સો કે મારપીટ કરવાને બદલે બે-ચાર આંસુ તમારું કામ કરી આપે છે. તારીખ ૯ની રાતથી અસમની એક છોકરીના રોતા અવાજમાં “CAB થી મારી અને તમારી બધાની જિંદગી બરબાદ થઇ ગઈ” એવો સંદેશો Whatsapp અને અન્ય માધ્યમો દ્વારા પ્રચારિત કરવામાં આવ્યો. વળી ૧૯૭૯ થી ૧૯૮૫ વચ્ચે થયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરોની વિરોધમાં થયેલા અસમ આંદોલનમાં મૃત્યુ પામેલા ૮૫૫ લોકોની યાદમાં ૧૦ મી ડિસેમ્બરના રોજ અસમ માં “શહીદ દિવસ” ઉજવાય છે. આ દિવસે AASU એ આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ઠેર ઠેર કાર્યક્રમો જાહેર કર્યા હતા. જેથી એ દિવસે લોકોના મગજમાં આસામ આંદોલનની લાગણી ભરપુર હતી. એવામાં આવા સેન્ટિમેન્ટલ વોઈસ મેસેજથી લોકોની લાગણી ને ભરપુર ઉક્સવવામાં આવી.
૧૦મી તારીખે બંધના દિવસે AASU સહીત અન્ય સંગઠનોએ વિવિધ રેલી કાઢી અને લોકોને ભેગા કર્યા. ૧૦મી એ જે જે લોકોએ અત્યાર સુધીમાં CAB નું સમર્થન કર્યું છે એવા લોકોની ફેસબુક પ્રોફાઈલ ગંદી ગાળોથી ભરી મૂકી. CAB ના સમર્થનમાં કાઢવામાં આવેલી રેલીના ફોટોને એડિટ કરીને એમાં હાથ માં પકડેલા પ્લે-કાર્ડ પર અશ્લીલ શબ્દો લખીને એમને ટાર્ગેટ કરવામાં આવ્યા. નાના કાર્યકર્તાઓ ના ઘરે જઈને એમના વાલીઓને ધમકાવવામાં આવ્યા.
૧૧મી એ પણ બંધ ન હોવા છતાં સમગ્ર ગૌહાટીમાં બંધનો જ માહોલ જોવા મળ્યો. અને જેમ જેમ સાંજ પડી એમ એમ અલગ અલગ જગ્યા પર લોકો ભેગા થઇને હિંસા પર ઉતરી પડ્યા. અને હિંસા નો ભોગ બન્યા નાના નાના વેપારીઓ જેમણે ૧૧મી એ બંધ ન હોવાને લીધે પોતાની દુકાન ખોલી હતી. આ હિંસક ટોળા સ્વરૂપે વિદ્યાર્થીઓ બનીને નીકળેલા AASU ના ગુંડાઓ અને બાંગ્લાદેશીઓ મુસ્લિમો એ ટોળાને દિશા આપી અને આ ટોળાઓને પોતાનો એજન્ડા પૂરો કરવા માટે કામે લગાડ્યા. આ પ્રકારે અસમના લગભગ તમામ ગામમાં સાંજે રસ્તા બંધ કરીને રસ્તા પર ટાયર કે લાકડા બાળીને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો.
ABVPની ઓફીસ પાસે હિંસક ટોળાએ રોડ પર લગાવેલા ABVPના બોર્ડ પર ગુસ્સો ઉતાર્યો અને એને આગ લગાવી દીધી. ટોળાનો હેતુ ABVP કાર્યાલય પર તોડફોડ કરવાનો હતો પણ કોઈ કારણસર એ પૂરોના થઇ શક્યો જેનો હું પોતે સાક્ષી છું. પોલીસ અને પ્રશાસન ધારે તો આ બધી ઘટના રોકી શકવા માટે સક્ષમ હતી પણ એ પણ ખુલીને તોફાનોને સમર્થન કરતા જોવા મળ્યા હતા.
સંગઠનના કાર્યકર્તાઓ અને વિવિધ અધિકારીઓને ૧૦૦ થી ૩૦૦ લોકોના ટોળા દ્વારા ઘેરાવ કરીને CAB નો વિરોધ કરવા માટે દબાણ કરવામાં આવ્યું. ઘણા કાર્યકર્તાઓ એ દબાણ વશ થઇ ને ફેસબુકમાં પોસ્ટ લખી તો કોઈએ સંગઠન છોડવાની વાત લખી દીધી. એમના પાસે બીજો કોઈ રસ્તો જ ન રહેવા દીધો હતો, કાર્યકર્તાઓ કરે તો કરે શું! ૧૧મી એ મોડી રાત્રે સમાચાર આવ્યા કે દિબ્રુગઢના સંઘ કાર્યાલય ને આગ લગાડી દેવામાં આવી છે. અને પછી એક પછી એક સંઘ અને ABVP ના કાર્યાલયોને તોડીને આગ લગાડી દેવાનાના સમાચાર આવવા લાગ્યા. અલગ અલગ સ્થળો પર સંગઠનોના કાર્યકરતાઓ, અધિકારીઓ, MLA અને MP સહીત મુખ્યમંત્રી અને મંત્રીઓ પણ આ તોફાની ટોળાના નિશાના પર હતા. આજે પણ કોલેજો ના વિદ્યાર્થીઓ ના બનાવેલા Whatsapp ગ્રુપો માં ABVP ના કાર્યકર્તાઓ ના ફોટો ફરે છે જેમાં એમને ઓળખી લેવા અને જ્યાં મળે ત્યાં મારવાનો સંદેશ હોઈ છે. કોમ્યુનીસ્ટો નો તો ઇતિહાસ જ રક્તરંજિત છે એટલે આપણા પ્રમુખ કાર્યકર્તાઓ ના તો જીવનું પણ જોખમ બની ગયું છે. ABVP એ ચાલુ શૈક્ષણિક સત્ર માં થયેલી વિદ્યાર્થી સંઘની ચુંટણી માં પોતાના ઉમેદવારો ઉભા રાખેલા અને અને વિશાળ માત્રા માં આ ઉમેદવારો જીત્યા હતા. આમાં થી ઘણા ખરા વિદ્યાર્થીઓ ને પરિષદ સાથે છેડો ફાડવા માટે મજબુર કરવામાં આવ્યા છે. અને ઘણા લોકો જાતે જ છોડી ને બીજી તરફ ઉભા રહી ને આંદોલન નું નેતૃત્વ પણ લઇ રહ્યા છે. આવીજ હાલત અન્ય સંગઠનોની પણ હશે જ.
આ તમામ તોફાનો અસમના લોકોની ભાવના સાથે રમીને એમને એક ચોક્કસ એજન્ડા પૂરો કરવા માટે કરવામાં આવ્યા હોઈ એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એના પાછળ કોણ હોઈ શકે એ સમજાવવાની જરૂરત નથી. સંઘ અને વિવિધ ક્ષેત્રોનો વ્યાપ અને પ્રભાવ વધવા સાથે સમગ્ર નોર્થઇસ્ટ માંથી ભારત વિરોધી સેન્ટિમેન્ટ દુર થતો જતો હતો જે ઘણા ને પસંદ નથી પડવાનું એ સ્વાભાવીક છે. અને વળી આપણા દ્વારા કરવામાં આવતા ચુંટણી સંદર્ભના લોકજાગૃતિના અભિયાનથી ભાજપને પણ ફાયદો થતો હતો જેના લીધે ઘણા ની રોજી-રોટી અટકી ગઈ હતી. એવું બિલકુલ નથી કે આ સમગ્ર તોફાનો અને પ્રદર્શનો માત્ર AASU જેવા સંગઠનો, બાંગ્લાદેશી મુસ્લિમો જ કરી રહ્યા છે. આ તોફાનોમાં અસમના સ્થાનિક લોકો પણ એટલા જ સક્રિય છે. CAB અંતર્ગત ભારતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી મુસ્લિમો ને નાગરિકતા મળવાની થતી નથી પણ “ઉમ્મત/ઉમ્માહ” અંતર્ગત બાજુ માં રહેતો કાફિર નહિ પરંતુ વિશ્વ ના કોઈ પણ ખૂણે રહેતો મુસ્લિમ પહેલો સગો છે એટલે અસમ સહીત ભારતના મુસ્લિમો ને CAB ખટકે એ સમજી શકાય. એટલે એમનું આ તોફાનો માં પદાર્પણ સમજી શકાય એવું છે.
“સંઘ અસમ વિરોધી છે”, “સંઘ નોર્થઇસ્ટ વિરોધી છે” એવો આખો માહોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ માહોલમાં એવું પણ બની શકે કે પ્રચારક ભોજન માટે જવાનો કાર્યકર્તાને ફોન કરે તો કદાચ ભોજન ની પણ ના કહી દે તો અતિશયોક્તિ નથી. આવા માહોલ માં નવેસર થી વિચારી ને નવી યોજનાથી અલગ રીતે કામ કરવાની જરૂરત પડશે એ નક્કી છે. લોકોને સમજાવવા સરકાર એમના સ્તરથી એમનું કામ કરશે જયારે વિવિધ સંગઠનો એ પોતાના કાર્યકર્તાઓના મનમાં ફરી થી સ્થાન મેળવવા ખુબજ પ્રયત્નો કરવા પડશે એ ચોક્કસ છે.
૨૦૧૫ માં લીધેલા “વર્ષ માં ૧૦૦ દિવસ નોર્થઇસ્ટને” સંકલ્પ અંતર્ગત તારીખ ૫ ડીસેમ્બર થી ૧૩ મી ડીસેમ્બર સુધીના મારા નોર્થઇસ્ટ ના પ્રવાસ ના અનુભવ માંથી….
Facebook | Twitter | Instagram | GMail @VikrantBPandya