તાજેતર માં ભારત ના નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા અર્થતંત્ર ને વેગવંતુ બનાવવા માટે થોકબંધ જાહેરાતો કરવામાં આવી. સરકારી બેંકો ને 70,000 કરોડ નું ફંડ આપવામાં આપવામાં આવ્યું. આ તમામ જાહેરાતો એ એક વાત તો સ્પષ્ટ કરી જ કે ભારત ના અર્થતંત્ર માં Everything is not ok. જે લોકો ફાયનાન્સ કંપનીઓ સાથે જોડાયેલા છે અથવા જે લોકો એ છેલ્લા 2 વર્ષ માં કોઈ લોન લીધી હશે (ઘર માટે, વેપાર માટે, ટ્રેક્ટર માટે, દ્વિચક્રી કે કાર માટે) એ લોકો ને ખબર હશે કે ફાયનાન્સ કંપનીઓ ની હાલત શુ છે? એ લોકો ને મેં એવું કહેતા પણ સાંભળ્યા છે કે માર્કેટ માં પૈસા જ નથી. નોટબંધી પછી થોડા સમય માટે માર્કેટ માં પૈસા ની ધૂમ આવક જોવા મળી હતી. પણ છેલ્લે તો એ પૈસા બેન્ક માં જ નાખવાના હતા એટલે એ આવક નો જોઈતો લાભ “માર્કેટ” ને મળ્યો નહીં.
હાલ ની પરિસ્થિતિ ને સમજવા માટે એક નાની વાર્તા કહેવા માગું છું.
રાજ્ય ચલાવવા માટે અસક્ષમ એક રાજા હતો. આખો દિવસ આળસ માં પડ્યો રહેતો. એના રાજ્ય માં શુ ચાલે છે એ એના આસ-પાસ ના બે ત્રણ વિશ્વાસુ લોકો જે કહેતા એ જ સત્ય માની લેતો. રાજા પાસે પરદાદા ની બેહિસાબ સંપત્તિ હતી. એટલે એ અને એની આગામી 25 પેઢીઓ કશું ન કરે તો પણ રાજાશાહી સારી રીતે ચાલે એમ હતી. એ રાજા ના અંગત વિશ્વાસુ લોકો મહા-ચોર હતા. રાજા ના ધ્યાન બહાર રાજખજાના માંથી કેટલીય સંપત્તિ ગબન કરી ગયા હતા. આ ચોરી ની સંપત્તિ સીધી રીતે પોતાના માટે જો વાપરે તો તો રાજા ના ધ્યાન માં આવી જાય એટલે એ લોકો એ આ ચોરેલી સંપત્તિ પોતાના વિશ્વાસુ ને કંઈક કામ માં ઇન્વેસ્ટ કરવા માટે આપતા. રાજા ના વિશ્વાસુ ના વિશ્વાસુ ના વિશ્વાસુ લોકો સુધી આ સંપત્તિ પહોંચતી.
આ લોકો આવેલા આ પૈસા ને વિવિધ ધંધા ઉદ્યોગ માં લગાવતા અને નાના મોટા અનેક ઉદ્યોગો સમગ્ર રાજ્ય માં ચાલતા હતા. આ ઉદ્યોગો માં અનેક લોકો ને રોજગારી મળતી હતી અને કેટલાય પરિવારો આ ઉદ્યોગો પર નિર્ભર હતા. એમાં એક હતો જેઠાલાલ. જેણે 30,00,00 ની ડિપોઝીટ ભરી ને Adidas ની એજન્સી લીધી હતી. એવો કોઈ ખાસ ધંધો નહતો પણ એના ક્યાં એક પણ રૂપિયા રોકાયેલા એટલે એને ચાલી જતું. જેઠાલાલ નો છોકરો પરણવા લાયક હતો એટલે એને એ શોરૂમ માં બેસાડી દીધો હતો. કોઈ મહિને સારું વેચાણ ન થયું હોય તો રાજા ના વિશ્વાસુ ના વિશ્વાસુ પાસે થી પૈસા આવી જતા તો પગાર અને લાઈટ બિલ ભરાઈ જતા. આવી રીતે રાજા ના વિશ્વાસુ ના વિશ્વાસુ ના વિશ્વાસુ ના વિશ્વાસુ… બધા ની રોજી રોટી ચાલતી.
આ આખો ખેલ રાજા નો દીકરો જોતો હતો અને પોતાની નજર સામે રાજ ખજાનો લૂંટતો હતો. પણ રાજા સામે કોઈ થી કશું કહેવાય નહીં એટલે એ શાંતિ થી બેસતો અને બધું જોયા કરતો. એક દિવસ અચાનક એ રાજા ની તબિયત બગડી અને એનું મૃત્યુ થયું એટલે એના દીકરા ને રાજ સિંહાસન પર બેસાડવામાં આવ્યો.
નવો રાજા સમજદાર હતો, એને તમામ બાબત ધ્યાન માં હતી અને એને ખબર હતી કે કઈ રીતે કોણ કોણ ચોરી કરી રહ્યા છે. એટલે એણે સૌથી પહેલા તો રાજા ના જુના વિશ્વાસુઓ ને જ એડવાઇઝરી કાઉન્સિલ માંથી હટાવી દીધા અને પોતાના જાણીતા નિષ્ઠાવાન લોકો ને રાજસભા માં અલગ અલગ પદ પર બેસાડ્યા. અને રાજકોશ ની તિજોરી માટે એક અલગ ભવન બનાવી ને એને સુરક્ષા આપી દીધી. ત્યાં માત્ર રાજા ને જ પ્રવેશ હતો. અને રાજકોશ માંથી ખર્ચ થતા એક એક રૂપિયા પર નઝર રાખવાનું ચાલુ થયું.
આ પ્રકારે એક બે વર્ષ વીત્યા ત્યાં તો જેઠાલાલ જેવા ની ઇકોનોમી વિખાઈ ગઈ. લાઈટ બિલ ભરવા માટે પણ પૈસા ન રહ્યા એટલે એણે Adidas ની એજન્સી પરત કરી દીધી. કેટલાય સેલ્સમેન નોકરી માંથી હાથ ધોઈ બેઠા. એમના પરિવારો પણ આર્થિક સંકટ માં આવી ગયા. જેઠાલાલ એ ડિપોઝીટ ના 30,00,000 રૂપિયા પાછા લીધા. એ રૂપિયા પણ કેટલોક સમય ચાલશે! એટલે એણે નાદારી નોંધાવી દીધી.
આ તમામ બાબત રાજા ના ધ્યાન માં આવી અને એને સમજાયું કે રાજ્ય ની જે સમૃદ્ધિ દેખાતી હતી એ વાસ્તવિક નોહતી. એટલે એણે પ્રજા ના હીત માં રાજકોશ માંથી કેટલાક રૂપિયા માર્કેટ માં શરાફી મંડળીઓ ને લોકો ને ધંધા રોજગાર માટે ધિરાણ કરવા આપ્યા.
આવી જ રીતે ભારત સરકાર ની સિવિલ સર્વિસ ના અધિકારીઓ અને રાજકારણીઓ એ સરકારી યોજના માંથી ધોમ પૈસા બનાવ્યા હતા. એમની લાલચ વધારે હતી અને એમને એ પૈસા ને બ્લેક માંથી વ્હાઇટ કરવા હતા એટલે એમણે આ પૈસા નાના મોટા ઉદ્યોગો માં ભાગીદારી લઈ ને રોક્યા હતા. કોઈ બોલ્ટ બનાવતી કંપની માં ભાગીદાર બન્યું તો કોઈ એ કન્સ્ટ્રકશન કંપની માં પૈસા રોક્યા. અને આ રીતે ભારત સરકાર ના પૈસા થી ભારત માં નાના મોટા અનેક ઉદ્યોગો વિકસવા લાગ્યા હતા.
નોટબંધી અને પછી GST અને સરકારી યોજના માં DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) ચાલુ થતા સિસ્ટમ ટ્રાન્સપરન્ટ બનવા લાગી. જે લોકો ટેક્ષ ભર્યા વગર લોલમલોલ ધંધો કરતા હતા એ લોકો એ ટેક્ષ ભરવાનો આવ્યો. એટલે જ્યાં સુધી “તોડ” ન મળે ત્યાં સુધી થોડા સમય માટે એ લોકો એ પોતાના ધંધા પર બ્રેક મારી. પહેલા ધોમ કમાઈ ચુક્યા હોવાને લીધે એમને પોસાય એમ હતું.
સદંતર નીતિમત્તા વગર કામ કરતા લોકો ને જબરદસ્તી નીતિમત્તા ના પાંજરા માં પુરવા આ મોદી સરકાર સામે નો આ આર્થિક મોરચે સૌથી મોટો પડકાર છે. ચોરી કરી ને 70% માર્ક્સ લાવતો વિદ્યાર્થી જ્યારે કડક સુપરવાઈઝર ના હાથ નીચે પરીક્ષા આપે ત્યારે નાપાસ થાય એ સ્વાભાવિક છે. આ વિદ્યાર્થી ને ભણતો કરી ને નાપાસ માંથી પાસ, પાસ માંથી ફર્સ્ટ કલાસ અને ફર્સ્ટ કલાસ માંથી 70% પર ફરી થી પાહીચડવો એ લાંબા ગાળા નું આયોજન માંગી લેશે. લોકો 5 વર્ષ માટે પોતાના ધંધા નો વિકાસ રોકી રાખશે, 10 વર્ષ સુધી પણ કદાચ ખેંચી જશે પણ પછી આવનારી પેઢી તો નીતિમત્તા થી પોતાનો વ્યવસાય કરતી થઈ જ જશે. ત્યારે ભારત ની જે સ્થિતિ હોઈ એ સ્થિતિ સાચી સ્થિતિ માનવી. બાકી છેલ્લા 20 વર્ષ ની અર્થવ્યવસ્થામાં આવેલી તેજી એ પરપોટો જ સાબિત થશે.
આટલી મારી પોતાની સમજ છે. આર્થિક વિષય ના જાણકાર તરીકે જો તમારા પાસે કોઈ અલગ કરણ કે તથ્યો હોઈ તો મને નીચે કોમેન્ટ માં અથવા Twitter પર @vikrantbpandya પર જણાવશો.